નાગરો માટે પૂજનીય વ્રજની રેણુ, વેણુ, ધેનુ
જેમ ભગવાનને તેના ભક્તો પસંદ છે તેમ ભક્તને પણ ભગવાન પસંદ છે અને ભગવાનની યાદ અપાવનાર ત્રણ બાબતો વ્રજની રેણુ, વેણુ અને ધેનુ પણ પસંદ છે. આ ત્રણ સ્થાનો કે ચીજો ભગવાનના ભક્તોને અતિશય પસંદ છે.
કારણ કે ત્રણેયમાં સ્વયં શ્રીકૃષ્ણનો વાસ છે, કૃષ્ણનો સહવાસ છે. સ્વયં સાક્ષાત્ શ્રીકૃષ્ણને જેમની સાથે નાતો છે તે બાબતો કે ચીજો અને સ્થળો માટે ભક્ત અધીરા થાય છે. શ્રીકૃષ્ણને પ્રિય બાબતો વિશે વિશેષ વાતો કરીએ.
(૧) રેણુ : વ્રજની રેણુ વૈષ્ણવોમાં માનને પાત્ર છે. રેણુ એટલે રેતી. વ્રજમાં રમણરેતી અતિશય પ્રખ્યાત છે. વ્રજના કણેકણમાં શ્રીકૃષ્ણ ઓતપ્રોત થયેલા છે. યાત્રાએ આવતા ભક્તો આ રેતી પ્રસાદી તરીકે પોતાના મોઢામાં લે છે તો કેટલાક ભક્તો તો રીતસર રેતીમાં આળોટે છે જેથી પોતાનું શરીર વ્રજની રેતીથી ધન્ય બની જાય.
આટલું જ નહી ઘણા ભક્તો આ રેણુને પોતાને માથે ચઢાવે છે અને કોઇક તો કુટુંબીજનો કે મિત્રો માટે પ્રસાદી તરીકે થેલીમાં લઇ જાય છે.
આ છે મહત્તા રમણરેતીની જે ધરતી સાક્ષાત શ્રીકૃષ્ણના ચરણાવિંદથી પ્લાવિત થઇ હતી તેનું આધ્યાત્મિક મહત્વ પણ ઘણું જ છે. વૈષ્ણવો ધૂલિવંદન કરીને ધનયતા અનુભવે છે. આથી જ વૈષ્ણવો ગાય છે કે ''વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહી રે આવું.'' વ્રજને જ વૈકુંઠ બનાવીને ભક્તો વ્રજધામમાં કણેકણમાં શ્રીકૃષ્ણનાં દર્શન કરતાં હોય છે. ધન્ય છે વ્રજ, વ્રજની રેણુ.
(૨) વેણુ : શ્રીકૃષ્ણ તથા ભક્તો બન્નેને પ્રિય છે. વેણુ અને વેણુનાદ. વેણુ એટલે બંસરી, વાંસળી, બંસી. ''કાન્હા બજાયે બસરી ઔર ગ્વાલે બજાયે મંજીરે હો ગોપીયા નાચે બીરજમેં'' એ ગીતમાં પણ વેણુની વાત કહેવામાં આવી છે. બંસીનો નાદ ગોપીઓને તો ઘેલી કરી જ મુકે છે પણ પશુ, પંખી, ગાયો અને ગોવાળોને પણ આકર્ષે છે.
બંસીનો નાદ સાંભળતા સાંભળતાં ગાયો ચરવાનું ભુલી જાય છે. પંખીઓ ઉડવાનું ભુલે છે. પંખીઓ કલરવ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. ગાયો દૂધ વધુ આપવા લાગે છે. કૃષ્ણની આસપાસનું સમગ્ર વાતાવરણ જ આનંદમય બની જાય છે. બંસીના બજવૈયા સાક્ષાત્ ગોપાલકૃષ્ણ છ. વેણુધરની વેણુનો નાદ અનોખો છે.
અલૌકિક છે, અનન્ય છે. રાધાજી પણ બંસીની ધુનમાં સુધબુધ ખોઇ બેસે છે અને કૃષ્ણમય બની જાય છે. વેણુનો નાદ સહુ કોઇને બહાવરા બનાવે છે. શ્રીકૃષ્ણ રાસલીલામાં પણ બંસી વગાડીને રાસની રમઝટમાં પોતાને સૂર પુરાવે છે. વેણુ સહુ કોઇને મંત્રમુગ્ધ કરે છે.
(૩) ધેનુ : ધેનુ એટલે ગાય. વ્રજની ધેનુ એ કોઇ સામાન્ય ધેનુ નથી. વ્રજની દરેક ધેનુ કામધેનુ છે જે ધેનુની સંગાથે શ્રીકૃષ્ણે પોતાનો સુવર્ણ સમય વીતાવ્યો હતો. ધેનુ કૃષ્ણને પ્રાણપ્યારી હતી. શ્રીકૃષ્ણને ગાયનાં જ દૂધ, દહી, ઘી, માખણ, મીસરી અને છાશ ભાવતાં હતા.
ગાયોની સેવા કરીને શ્રીકૃષ્ણ તથા તેના સખાઓ, મિત્રો, ગોવાળીયાઓ ધન્ય બન્યા હતા. ગાયો ચરીને સાંજે જ્યારે પાછી ફરે તેને ગૌધૂલિક સમય કહે છે. કારણ ગાયના પણ ધુળ પર ચાલે છે. તે ધૂળ ઉડે છે. ગાયો થકી જ વ્રજની શોભા વધે છે. લોકો ગાયોની રજ માથે ચડાવે છે.
વ્રજની ધેનુને પણ શ્રીકૃષ્ણ વિના ચાલતું નથી. વ્રજની ગાયો ઇચ્છાપૂર્તિ કરનાર મનાય છે. વ્રજની ગૌમાતાઓ કામનાઓ પૂર્ણ કરે છે. ગાયોની રક્ષા, સુરક્ષા અને સેવા કરવામાં શ્રીકૃષ્ણને આનંદ આવે છે. ધેનુ વ્રજની આગવી ઓળખાણ છે.
વ્રજવાસીઓને તો વેણુ, ધેનુ અને રેણુ ત્રણેયનો લાભ મળે છે. વૈષ્ણવો અને ભાવિક ભક્તો વારે તહેવારે બરસાના વ્રજ, વૃંદાવન, મથુરા, ગોકુળની યાત્રા કરવાનું ચુકતા નથી. આ સમગ્ર વિસ્તારમાં ચોતરફ શ્રીકૃષ્ણ રાધા ભક્તોને દર્શન આપે છે.
શ્રીકૃષ્ણને શરણે જવાથી ભાવોભવનાં પાપ દૂર થાય છે. નાથ નારાયણ વાસુદેવના ચરણોમાં શતકોટિ વંદન.
0 comments:
Post a Comment